અમરેલી,14 સપ્ટેમ્બર (હિ.સ.): આજે અમરેલી જિલ્લાના નવા ખીજડીયા ગામમાં આધુનિક બસ સ્ટેન્ડના નિર્માણ કાર્યનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ સાંસદ ભરત સુતરિયાની સાંસદ ગ્રાન્ટમાંથી સાકાર થવાનો છે. આ અવસરે ખાસ ઉપસ્થિતિ તરીકે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિક વેકારીયા પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સુવિધાસભર પરિવહન પ્રણાલી અત્યંત જરૂરી છે. નવા બસ સ્ટેન્ડના નિર્માણથી ગામલોકોને જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના મુસાફરોને પણ સીધી રીતે લાભ મળશે. તેમણે ખાતરી આપી કે આગામી સમયમાં પણ વિસ્તારના વિકાસ માટે વધુ યોજનાઓ અમલમાં મુકવામાં આવશે.
ધારાસભ્ય કૌશિક વેકારીયાએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગ્રામ્ય વિકાસ સરકારની પ્રાથમિકતા છે અને આવી સુવિધાઓથી ગામોમાં નવો ઉલ્લાસ અને પ્રગતિનો માર્ગ ખૂલે છે.
આ અવસરે ગામના આગેવાનો, પંચાયત પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ નવા બસ સ્ટેન્ડના નિર્માણને લઈ આનંદ વ્યક્ત કર્યો અને સાંસદ તથા ધારાસભ્યનો આભાર માન્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai