ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ
રાજ્ય સરકારની સેવા ૧૮૧ મહિલા હેલ્પલાઇન થકી અનેક મહિલાઓને સેવા પ્રાપ્ત થઈ છે. આવા જ એક કિસ્સામાં ઊના મહિલા સહાયતા કેન્દ્ર પરથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ પ્રાપ્ત થયો હતો કે, ચાર નાના બાળકો સાથે એક નિઃસહાય મહિલા તેમના કેન્દ્ર પર આવી પહોંચી છે. મહિલાએ જણાવ્યું હતું કે, તેમના પતિ કેફી દ્રવ્યો પી નશામાં મારપીટ કરી તેમને ઘર બહાર કાઢી મૂક્યા છે. પતિ હાલ ક્યાં છે તેની કોઈ માહિતી નહોતી તેમજ તેમનો કોઈ ફોન નંબર કે ચોક્કસ સરનામું પણ ઉપલબ્ધ નહોતું.
કોલ મળતા જ ૧૮૧ હેલ્પલાઇનના ફરજ પરના કાઉન્સેલર અંજના દાફડા, કોન્સ્ટેબલ સોનલ ખાણીયા અને પાઇલોટ સહિતની ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ત્યાં મહિલા પોતાના બાળકો સાથે અત્યંત ગભરાયેલી હાલતમાં રડી રહી હતી. ટીમે તેમને આશ્વાસન આપી શાંત કર્યા હતાં.
મહિલાએ જણાવ્યું કે, તેમના પતિ રોજ કેફી દ્રવ્યોનું સેવન કરી ઝઘડો કરે છે. તેમના બાળકોને મોબાઇલ ફોન આપવા બાબત થયેલા ઝઘડામાં તેમને માર મારી ઘર બહાર કાઢી મૂક્યા હતાં. મહિલાએ સહાય માટે પ્રયત્ન કર્યો છતાં મદદ ન મળતાં ઊના મહિલા સહાયતા કેન્દ્રે આશરો લીધો હતો.
મહિલા પ્લાસ્ટિક વીણી પોતાનું ગુજરાન ચલાવે છે, કારણ કે તેમના પતિ કમાઈને કશું આપતા નથી. કોઈ સ્થિર રહેઠાણ ન હોવાથી તેઓ ઝૂંપડાંમાં રહે છે.
મહિલાના પિયર અંગે પૂછતાં જાણવા મળ્યું કે, તેમના માતા–પિતા તથા ભાઈ ઊના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે. પરંતુ ગરીબીના કારણે તેઓ ચાર બાળકો સાથે રહેવા સંકોચ અનુભવી રહ્યા હતા. પરંતુ રાત્રિના સમયે મહિલા તથા તેમના બાળકોની સુરક્ષા અતિ આવશ્યક જણાતા ૧૮૧ ટીમે તેમના પિતાનું રહેઠાણ શોધી તેમને ત્યાં સલામત પહોંચાડ્યા હતાં.
મહિલાના પિતા તથા ભાઈ દિકરી અને પૌત્ર–પૌત્રીઓને સુરક્ષિત ઘરે પહોંચાડવા બદલ ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ