મહેસાણા, 14 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના કુકસ ગામના 43 વર્ષીય હરિભાઈ શ્યામજીભાઈ ચૌધરીએ પરંપરાગત ખેતી છોડીને ફૂલની બાગાયતનો માર્ગ પસંદ કરી આજે યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ સ્થાન મેળવ્યું છે. બારમું ધોરણ સુધી અભ્યાસ કરેલા હરિભાઈએ શરૂઆતમાં પરંપરાગત પાકો લીધા હતા, પરંતુ વધારે ખર્ચ અને ઓછા નફાને કારણે ખેતીમાં ફેરફાર કરવાની જરૂરિયાત અનુભવી.
બે વર્ષ પહેલાં તેમણે ગલગોટાની ખેતી શરૂ કરી. અડધા વીઘાથી શરૂઆત કરીને આજે તેઓ બે વીઘામાં કેસરી અને પીળી જાતના ગલગોટાનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 25,000 રૂપિયાનું વેચાણ થઈ ગયું છે, અને આખા વર્ષ માટે એક લાખ રૂપિયાનું વળતર થવાની ધારણા છે. હરિભાઈ કહે છે કે એક વીઘામાં 4000 છોડ માટે આશરે 30 થી 35 હજાર ખર્ચ આવે છે, પરંતુ યોગ્ય આયોજન કરવામાં આવે તો એક વીઘામાંથી લાખ રૂપિયા સુધીની આવક સરળતાથી મળે છે.
સરકાર તરફથી બાગાયત પાક માટે પ્રતિ હેક્ટર 12,000 થી 15,000 સુધી સહાય મળે છે, જે ખેડૂતના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. હરિભાઈએ જાતમાં પણ ફેરફાર કરીને “અષ્ટગંધા પ્લસ” કંપનીનું બિયારણ વાવ્યું, જેના કારણે ઉત્પાદન અને નફામાં વધારો થયો છે. મહેનત, આયોજન અને સરકારી સહાયનો સંયોજન હરિભાઈને આજે સફળ ખેડૂત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR