અમરેલી, 14 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના વાંકિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય કૌશિક વેકારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, આરોગ્ય કર્મચારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ધારાસભ્ય કૌશિક વેકારીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય સેવાઓ સુલભ કરાવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. નવી એમ્બ્યુલન્સના લોકાર્પણથી વાંકિયા તથા આસપાસના ગામોના લોકોને મોટી રાહત મળશે. તાત્કાલિક પરિસ્થિતિમાં દર્દીઓને ઝડપી સારવાર માટે જિલ્લા હોસ્પિટલ કે અન્ય આરોગ્ય કેન્દ્રોમાં પહોંચાડવામાં આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ અવસરે આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આધુનિક સુવિધાઓથી સજ્જ આ એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે ઉપલબ્ધ રહેશે.
ગામલોકોએ આ સુવિધા મળતા આનંદ વ્યક્ત કર્યો હતો અને ધારાસભ્ય તેમજ આરોગ્ય વિભાગનો આભાર માન્યો હતો. લોકાર્પણ પ્રસંગે વાંકિયા વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બનવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai