
અમરેલી, 14 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી શહેરમાં આયોજિત ભક્તિમય સ્વામિનારાયણ ધૂન કાર્યક્રમમાં આજે ધારાસભ્ય કૌશિક વેકારીયાએ હાજરી આપી હતી. ધાર્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો, સાધુ-સંતો તથા શહેરવાસીઓ જોડાયા હતા.
ધૂન દરમિયાન મંદિરમાં “સ્વામિનારાયણ”ના ગુંજતા જયઘોષ વચ્ચે સમગ્ર પરિસર ભક્તિભાવથી ઓતપ્રોત બન્યો હતો. ધારાસભ્ય કૌશિક વેકારીયાએ પણ ઉત્સાહપૂર્વક ધૂનમાં ભાગ લીધો અને હરિભક્તો સાથે ભક્તિરસમાં રંગાયા. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયની ધૂન માનવ જીવનમાં શાંતિ, એકતા અને સંસ્કાર જગાડે છે. આ પ્રસંગે ધારાસભ્યએ શ્રદ્ધાળુઓ સાથે ભક્તિભાવના પળો માણ્યા અને ધાર્મિક પરંપરાઓને પ્રોત્સાહન આપવાનું સમાજ માટે આવશ્યક હોવાનું કહ્યું. તેમણે ઉમેર્યું કે આવી ધાર્મિક પ્રવૃત્તિઓ શહેરમાં આધ્યાત્મિકતા ફેલાવે છે અને લોકોમાં એકતા-સ્નેહ વધારવાનો સંદેશ આપે છે.
સ્થાનિક હરિભક્તો તથા સમાજજનો દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને અભિનંદન પાઠવાયા. સ્વામિનારાયણ ધૂનના આ પાવન પ્રસંગે ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક ઉર્જાનો સુંદર સંયોગ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai