પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા આજે રાજ્યના 23 જિલ્લાઓમાં યોજાઈ રહી છે. પાટણ અને સિદ્ધપુર શહેરમાં 13 હજારથી વધુ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે, જેના માટે 43 પરીક્ષા કેન્દ્રો નિયુક્ત કરવામાં આવ્યા છે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે, અને ઉમેદવારોને બપોરે 12 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું ફરજિયાત છે.
પરીક્ષા કેન્દ્રો પર કોલ લેટર ચકાસણી, બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફ્રિસ્કિંગ જેવી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. બપોરે 1:45 વાગ્યે વોર્નિંગ બેલ વાગશે અને ત્યારબાદ ઓએમઆર શીટનું વિતરણ શરૂ થશે. પરીક્ષા કેન્દ્રમાં બપોરે 2 વાગ્યા પછી કોઈપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં.
પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ તથા કલેક્ટર કચેરીનો સ્ટાફ તૈનાત છે. સુરક્ષા માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે અને પરિવહન વ્યવસ્થા પણ સુચારૂ રાખવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ