સાવરકુંડલામાં ગેરકાયદે ફટાકડાનો જથ્થો પકડાયો : SOGએ 18 હજારનો સ્ફોટક પદાર્થ જપ્ત કર્યો
અમરેલી, 14 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં દિવાળીને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. સાવરકુંડલામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ગેરકાયદે ફટાકડાના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં રૂ. 18,060ના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા હતા. ખાસ વ
સાવરકુંડલામાં ગેરકાયદે ફટાકડાનો જથ્થો પકડાયો : SOGએ 18 હજારનો સ્ફોટક પદાર્થ જપ્ત કર્યો, લાયસન્સ વગર સંગ્રહ કરનારની અટકાયત


અમરેલી, 14 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં દિવાળીને લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. સાવરકુંડલામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ગેરકાયદે ફટાકડાના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં રૂ. 18,060ના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે આ ફટાકડાનો જથ્થો ફાયર સેફ્ટી સાધનો વગર સંગ્રહિત કરવામાં આવ્યો હતો, જેના કારણે માનવજીવનને મોટું જોખમ ઊભું થયું હતું.

આ કાર્યવાહી અમરેલી જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. SOG ટીમે સ્થાનિક સ્તરે મળેલી ચોક્કસ માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપી સંદીપભાઈ પરમાણંદભાઈ ખંધેડિયાએ લાયસન્સ વગર અને સુરક્ષા નિયમોનો ભંગ કરીને ફટાકડાનો સંગ્રહ કર્યો હતો. પોલીસે તેની સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ માટે આરોપીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

આ સફળ કામગીરીમાં PI આર.ડી. ચૌધરી, યુવરાજસિંહ સરવૈયા, પ્રવીણસિંહ ચૌહાણ અને સુરેશભાઈ ચૌહાણ સહિતના પોલીસ કર્મચારીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આવી કાર્યવાહી આવતા દિવસોમાં વધુ કડકાઈથી ચાલુ રહેશે જેથી દિવાળી દરમ્યાન ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ અને વેચાણ પર રોક લાગી શકે.

બીજી તરફ, રાજુલાના મુખ્ય બજારમાં પણ કેટલાક ખાનગી ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહિત હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. વેપારીઓએ આ વિસ્તારમાં તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી છે, કારણ કે બજાર વિસ્તાર ખૂબ જ ભરચક હોય છે અને કોઈપણ પ્રકારની દુર્ઘટના માનવજીવન અને મિલકતને મોટું નુકસાન પહોંચાડી શકે છે. સલામતીની દૃષ્ટિએ હવે તંત્રને વધુ કડક પગલાં લેવાની જરૂરિયાત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande