મહેસાણા, 14 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લાના રામોસણા ગામની 52 વર્ષીય સુથાર ઇલાબેન નવીનભાઈ છેલ્લા 16-17 વર્ષથી સખીમંડળ સાથે જોડાયેલા છે. શરૂઆતમાં અલગ-અલગ નાનાં કામ કર્યા બાદ ત્રણ વર્ષ પહેલાં તેમણે “મંગલમ જ્યુસ સેન્ટર” શરૂ કર્યું. આજે આ જ્યુસ સેન્ટર તેમની સાથે અન્ય મહિલાઓને પણ રોજગારીનું સાધન પૂરું પાડી રહ્યું છે.
ઈલાબેન ઉનાળામાં શેરડીનો રસ, ચોમાસા અને શિયાળામાં ચાર, ઠંડા પીણા તથા અલગ-અલગ પડીકાનું વેચાણ કરે છે. સારી સીઝનમાં રોજનું 2000 થી 2500 રૂપિયાનું વેચાણ થાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં 400 થી 500 રૂપિયાની આવક થાય છે. અત્યારે રોજનું સરેરાશ 700 થી 800 રૂપિયાનું કાઉન્ટર રહે છે. NRLM દ્વારા મામલતદાર કચેરી નજીક જગ્યા ફાળવવામાં આવતા તેઓ ત્યાં સેન્ટર ચલાવે છે.
માત્ર જ્યુસ જ નહીં, પણ તેઓ રસોડા અને નાસ્તાના ઓર્ડર પણ લે છે, જેના કારણે વધારાની આવક થાય છે. હાલમાં ઈલાબેન સાથે 3 થી 4 બહેનો કામ કરે છે અને દર વર્ષે દરેક બહેનને 10,000 થી 12,000 રૂપિયાનો નફો મળે છે.
ઈલાબેન ગૌરવ સાથે કહે છે કે સખી મંડળની યોજનાઓને કારણે આજે મહિલાઓને બીજે કામ શોધવું પડતું નથી. પોતાનું ઘર બનાવ્યું, બાળકોને સ્થાયી કર્યા અને સમાજમાં સ્વાભિમાન સાથે જીવન જીવી રહ્યા છે. સખી મંડળથી આત્મનિર્ભરતા મેળવી તેમણે જીવન ધોરણ ઊંચું કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR