ભાવનગર 16 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર રેલવે અને સામાજિક સંસ્થાઓના સહકારથી રેલવે પ્રશાસન વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સદા તત્પર રહે છે. આ ક્રમમાં એક સામાજિક સંસ્થા દ્વારા દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર 2 વધારાની વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વંદે માતરમ સેવા સંઘની પ્રેરણાથી કુસુમબેન ખાંતીલાલ શાહ (હારીજ વાળા) તરફથી ચંપાબેન દીપકભાઈ શાહ પરિવારના હસ્તે તથા મુકતાબેન જયંતિલાલ શેઠ (પાલીતાણા વાળા) તરફથી અલકાબેન સુબોધભાઈ સેઠ ના હસ્તે આ બન્ને વ્હીલ ચેર ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર તા. 16.09.2025 (મંગળવાર)ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર ડિવિઝન અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર બે વ્હીલ ચેર પહેલેથી જ ઉપલબ્ધ હતી તથા બે વધારાના વ્હીલ ચેર પ્રાપ્ત થતાં હવે તેની સંખ્યા વધીને 4 થઈ ગઈ છે.
આ પ્રસંગે વંદે માતરમ સેવા સંઘ તરફથી કિશોરભાઈ ભટ્ટ, કે. ડી. શાહ, હરદેવસિંહ ગોહિલ, હિતેશભાઈ પારેખ, કૌશિકભાઈ અજવાલિયા, વજુભાઈ વાળા તથા અનિલ સિંહ (બનારસ વાળા) ઉપસ્થિત રહ્યા હતા. રેલવે પ્રશાસન તરફથી મંડળ વાણિજ્ય નિરીક્ષક, સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ, ટિકિટ ચેકિંગ સ્ટાફ સહિતના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા તથા વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ વંદે માતરમ સંઘ તથા દાતાઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ