પોરબંદર, 16 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે રાજ્યવ્યાપી “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં બે સ્થળોએ 30 દિવસીય રીઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા મુક્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતી જતી મેદસ્વિતા તથા તેના પરીણામે થતાં રોગોને ગંભીરતાથી લઈને દેશને મેદસ્વિતા મુક્ત બનાવવા આહવાન કર્યુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિધાનસભામાં મેદસ્વિતા વિષયક ચિંતાને ધ્યાનમાં રાખી રાજ્યમાં વ્યાપક અભિયાન ચલાવવા નિર્દેશ આપ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં કુલ 75 સ્થળોએ આવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર જિલ્લામાં પણ બે સ્થળોએ કેમ્પ યોજાશે જેમાં આર્ય સમાજ, મહર્ષિ દયાનંદ માર્ગ, પોરબંદર ખાતે જેના માટે કેતન કોટિયાનો મોબાઇલ નંબર 99250 18393 પર સંપર્ક કરવાનો તેમજ ખોજા જમાત વાડી, રાણાવાવ – યોગ કોચ નફીસાબેન ઢાલાનીનો મોબાઇલ નંબર 99240 72010 પર સંપર્ક કરવાનો રહેશે.
આ કેમ્પ 17 સપ્ટેમ્બર થી 16 ઓક્ટોબર 2025 સુધી દરરોજ સવારે 6:30 થી 8:00 વાગ્યા સુધી રહેશે. આ કેમ્પમાં યોગાભ્યાસ સાથે આહાર વિષયક માર્ગદર્શન, જીવનશૈલી સુધારણા, એક્યુપ્રેશર તથા આરોગ્યલક્ષી પણ માહિતી આપવામાં આવશે.
આ આયોજન પોરબંદર જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયા, યોગ કોચ તથા સમગ્ર યોગ ટ્રેનર ટીમના સહયોગથી કરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લાના નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વહેલી તકે રજીસ્ટ્રેશન કરી આ આરોગ્યલક્ષી અભિયાનનો લાભ લે. વધુ માહિતી માટે કેતન કોટિયા (મોબાઇલ : 99250 18393)નો સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya