સોમનાથ, 16 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫ મા જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ થશે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ મહિલા કેન્દ્રિત વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ અને સ્ક્રિનીંગ કેમ્પનું આયોજન કરીને મહિલા સહિત નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ આપવામાં આવશે. કલેક્ટર એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં પ્રાંત ઓફિસ વેરાવળ ખાતેથી આ અભિયાન વિશે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માધ્યમના પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતાં.
કલેક્ટરશ જણાવ્યું હતું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓકટોબર, ૨૦૨૫ સુધી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન ચલાવવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના પેટા આરોગ્ય કેન્દ્ર-આયુષ્માન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંતો દ્વારા મહિલાઓ સહિત નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો બહોળો લાભ આપવામાં આવશે.
સમગ્ર અભિયાનની રૂપરેખા આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, મહિલા પરિવારની કરોડરજ્જૂ છે, જો મહિલા સશક્ત હશે તો સમગ્ર પરિવાર સશક્ત બનશે. આ હેતુને ધ્યાનમાં રાખીને ૧૭ સપ્ટેમ્બરના રોજ વેરાવળ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમથી આ અભિયાનની શરૂઆત થશે. તેમજ તા.૧૮ ના રોજ સીમર તેમજ તા.૨૦ ના રોજ તાલાળા અને તા.૨૩ના રોજ સુત્રાપાડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિત અલગ અલગ તારીખે જિલ્લાના કુલ ૨૧૯ સ્થળોએ આરોગ્ય કેમ્પ યોજાશે. આ કેમ્પના બે અઠવાડિયા દરમિયાન મંગળ, બુધ અને શુક્ર એમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન્સના ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશન્સ, ફિઝિશિયન્સ તેમજ સર્જન સહિતના તજજ્ઞો ગ્રામ્ય સ્તરે પણ પોતાની સેવાઓ પૂરી પાડશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રામ્ય સ્તર સુધી મહિલાઓમાં સ્વચ્છતા અને પોષણ અંગે જાગૃતિ આવે એ જરૂરી છે. આ કેમ્પ દરમિયાન એનિમિયા અને સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, પૂર્વ પ્રસુતિ તપાસ સહિત મહિલાલક્ષી રોગની તપાસ કરી અને સારવાર કરવામાં આવશે. જો રોગનું સત્વરે નિદાન થાય તો તરત જ સારવાર શક્ય બને છે. જેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓની સ્વાસ્થ્ય ચકાસણી વિશે સવિશેષ ભાર મૂકવામાં આવશે.
બ્લડ ડોનેશન કેમ્પ અંગે તેમણે જણાવ્યું હતું કે, તા.૧૬ સપ્ટેમ્બરના રોજ ઉનામાં વરસીંગપુર ખાતે યોગ કેન્દ્રમાં અને કોડીનારની નાલંદા સ્કૂલ ખાતે તેમજ તા.૧૭ ના રોજ પ્રશ્નાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૮.૦૦ કલાકેથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. આરોગ્ય સેવાના આ પખવાડિયામાં જિલ્લાની પ્રત્યેક મહિલાઓ પરિવારજનો સહિત મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લે એ માટે કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે જણાવ્યું હતું કે, માતા અને બાળકોના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રસી અનિવાર્ય છે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટરથી લઈને હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે અલગ અલગ આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ અભિયાન દરમિયાન ૧૭મી સપ્ટેમ્બરના રોજ મહા મમતા દિવસ ઉજવવામાં આવશે. જેમાં સગર્ભા માતાઓનું રસીકરણ સહિત સ્વાસ્થ્ય ચકાસણી, ૨૦ સપ્ટેમ્બરના રોજ પંચગુણી રસીકરણ, ૨૪ સપ્ટેમ્બરના રોજ પોલિયો રસીકરણ, ૨૫ સપ્ટેમ્બરના રોજ ઓરી અને રૂબેલા રસીકરણ તેમજ ૦૧ ઓક્ટોબરના રોજ મહા મમતા દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, જિલ્લા આરોગ્ય અધિકારી બરૂઆ, એપિડેમિક મેડિકલ ઓફિસર ગૌસ્વામી, એચ.ટી.કણસાગરા સહિત પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ