ગીર સોમનાથ 16 સપ્ટેમ્બર (હિ.સ.) વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબેન મૂછારના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો યોજાયો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબેન મૂછારે જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રોમાં આવતા ૩ થી ૬ વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળક શાળામાં પ્રવેશ મેળવે તે પહેલા શૈક્ષણિક રીતે તૈયાર થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા પા-પા પગલી યોજના શરૂ કરવામાં આવી છે. આ પા-પા પગલી યોજના અંતર્ગત આજે જિલ્લા કક્ષાના ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર દ્વારા કેન્દ્રોમાં આવતાં બાળકોને દૈનિક થીમ આધારિત અલગ-અલગ પ્રવૃત્તિઓ કરાવી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. આ પ્રવૃત્તિઓને આધારે આંગણવાડી કાર્યકર બાળકોનું અવલોકન કરી મારી વિકાસ યાત્રા એપ્લિકેશન”માં બાળકના સર્વાંગી વિકાસનું ટ્રેકિંગ કરવામાં આવે છે. જેના આધારે બાળકના સર્વાંગી વિકાસની દિશા નિર્ધારિત થાય છે. જે બાળકનાં શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન મળી રહે તે માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાળકોની ક્ષમતાઓમાં વધારો થાય, બાળકોમાં શારીરિક તથા માનસિક વિકાસ થાય તે માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પા-પા પગલી યોજના ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે.
આ તકે, ધારાસભ્ય ભગવાન બારડે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા નાના બાળકોમાં રહેલા કૌશલ્યને આગળ વધારવા માટે સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે પ્રતિ વર્ષ 'ભૂલકા મેળા'નું આયોજન કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાના બાળકોને મોબાઈલ, ટી.વી.થી દૂર રાખી, મેદાની રમતો માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેકટ પા પા પગલી- અંતર્ગત બાળકોના સર્વાગી વિકાસ અને તેના આકલન તેમજ વાલીને તે અંગે માહિતગાર કરી તેમને બાળકના સર્વાંગી વિકાસની જાળકારી આપવા તથા આંગણવાડી કાર્યકર, તેડાગર, માતા-પિતા અને સમૂદાયના લોકોને બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવા અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જનજાગૃતિ માટે દર વર્ષે ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ તકે, આંગણવાડીના નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આંગણવાડીની કાર્યકર બહેનોએ વિવિધ થીમ આધારિત મોડલ પ્રદર્શિત કર્યા હતા.
મહાનુભાવોના હસ્તે આંગણવાડીના નાના ભૂલકાઓ અને બેસ્ટ કૃતિ રજૂ કરનાર આંગણવાડી બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયાં હતાં.
આ તકે નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, નગરપાલિકા કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામીબેન વાજા, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન પ્રતિનિધિ હરીભાઈ જાદવ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાંક, જિલ્લા પંચાયતના સભ્ય વિક્રમભાઈ પટાટ, ભાવેશભાઈ ઉપાધ્યાય, અગ્રણીશ્રી સર્વ દિનેશભાઇ આંબેચડા, કાનાભાઈ મૂછાર, સંકલિત બાળ વિકાસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર હીરાબેન રાજશાખા, વિવિધ આંગણવાડીઓના કાર્યકર અને તેડાગર બહેનો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ