મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)
રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમનો મુખ્ય હેતુ દેશમાં સઘન અને ગુણવત્તાસભર આંખના રોગોની સેવાઓ પુરી પાડીને નિવારી શકાય તેવા અંધત્વ દર ઘટાડવાનો છે. સાબરકાઠા જિલ્લામાં અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય કેદ્રના આશા કાર્યકર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા 40 વર્ષથી વધુ વય ધરાવતા આશરે 6 લાખ 68 હજારથી વધુ નાગરિકોની તા. 15/9/2025 થી 14/10/2025 સુધી સ્થાનિક કક્ષાએ પ્રાથમિક દ્રષ્ટિ ચકાસણી કરવામાં આવશે. આ તપાસ દરમિયાન દ્રષ્ટિખામી જેવી કે મોતિયો, ઝામર, વય –સંબંધિત મેક્યુલર ડિજનરેશન, ડાયાબિટિક રેટિનોપેથી,આંખની લાલાશ, દુર-નજીકના નંબર, ત્રાંસી આંખ તેમજ આંખની અન્ય બિમારી કે ખામી ધરાવતા દર્દીઓને તા. 15 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ઓપ્થેલ્મિક આસિસ્ટ્ન્ટ અને ઓપ્થેલ્મિક સર્જન દ્વારા જરુરી તપાસ અને સારવાર કરવામાં આવશે. જિલ્લાના પ્રજાજનો ને વિનંતિ છે કે જ્યારે પણ આપના ઘરે આશા કાર્યકર જરુરી તપાસ માટે આવે ત્યારે જરુરી સહકાર આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ