અમરેલી,18 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં ફરી એકવાર જંગલની રાણીનો કેટવૉક જોવા મળ્યો છે. ધારી-અમરેલી માર્ગ પાસેના મોરજર ગામ નજીક સવારે બે સિંહણો ખેતરમાં ફરતી જોવા મળી હતી. ગ્રામજનો દ્વારા આ દૃશ્ય મોબાઈલ કેમેરામાં કેદ કરાતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સવારના સમયે શિકારની શોધમાં બે સિંહણો ખેતરમાં આરામથી લટાર મારતી નજરે ચડ્યાં હતાં. આ દ્રશ્ય જોતા ગામલોકોમાં એક તરફ ઉત્સાહ તો બીજી તરફ ભયનું મિશ્રણ જોવા મળ્યું હતું. ગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું સામ્રાજ્ય આજે પણ મજબૂત છે.
તાજેતરની ગણતરી મુજબ અમરેલી જિલ્લામાં જ 339 જેટલા સિંહોની નોંધણી થઈ છે, જે આખા ગીર વિસ્તારના સિંહોની સંખ્યા સામે સૌથી વધુ છે. ધારી તાલુકો સિંહોની આવનજાવન માટે મુખ્ય માર્ગ ગણાય છે, જ્યાં વારંવાર ખેતરો અને રસ્તાઓ પર સિંહો કે સિંહણો જોવા મળતા હોય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai