અમરેલી,18 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી શહેરમાં 24 વર્ષીય યુવતી પર થયેલા જીવલેણ હુમલાનો કેસ ઉકેલતા પોલીસે બે આરોપીઓને ઝડપ્યા છે. પોલીસે આપેલી માહિતી મુજબ, વિપુલ જાદવભાઈ ધૂંધવાળા અને આકાશ મહેન્દ્ર આવટે નામના બંને હુમલાખોરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઘટનાની પાછળ પ્રેમ સંબંધનો વિવાદ હોવાનું બહાર આવ્યું છે.
યુવતી ચિતલ રોડ પર આવેલા ભાવકા ભવાની મંદિર નજીક ઊભેલી ત્યારે વિપુલ ધૂંધવાળાએ છરી વડે તેના ગળા પર ગંભીર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાલ તે ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે બંને આરોપીઓને ઝડપ્યા હોવા છતાં મીડિયા સમક્ષ માત્ર વિપુલ ધૂંધવાળાને જ રજુ કર્યો હતો, જ્યારે આકાશ આવટેને ઢાંકપિછોડો કરી રજૂ કર્યો હતો.
અમરેલી એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું કે, “પોલીસે ઝડપથી કાર્યવાહી કરી બંને આરોપીઓને કાબુમાં લીધા છે. ઘટના પાછળના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. યુવતીની સારવાર માટે તમામ શક્ય મદદ ઉપલબ્ધ કરાઈ રહી છે.”
પોલીસે હાલ કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને આગળની તપાસ શરૂ કરી છે અને સ્થાનિક લોકોમાં આ બનાવને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai