અમરેલી,18 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની શાખામાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતા પોલીસ, હોમગાર્ડ, PGVCLની ટીમો તરત જ સ્થળ પર દોડી આવી હતી. આગ લાગ્યાની માહિતી મળતા જ બેંકના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આગની જાણ થતાં જ અમરેલી અને બગસરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. અંતે વહેલી સવારે આગ કાબુમાં આવી ગઈ હતી. જોકે, આગના કારણે બેંકના રેકોર્ડ્સ અને ઈલેક્ટ્રોનિક્સ સાધનોને કેટલું નુકસાન થયું છે તેની હજી સુધી સત્તાવાર વિગત મળી નથી.
આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે.
ફાયર વિભાગના ઇન્ચાર્જ અધિકારી એચ.પી. સરતેજાએ જણાવ્યું હતું કે, “મોડી રાત્રે આગની જાણ થતાં જ ટીમો ઝડપથી પહોંચી ગઈ હતી. સતત પાણીનો મારો ચલાવતા લગભગ બે કલાકમાં આગ કાબુમાં આવી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.”
હાલમાં પોલીસ તથા સંબંધિત વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai