ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) સમગ્ર રાજ્યભરની સાથે આજે ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છોત્સવની શરૂઆત થઈ છે.
આજે જિલ્લા પંચાયત કચેરીના પાછળના ભાગમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ શ્રમદાન કરી જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ એક સામાન્ય નાગરિકભાવથી જિલ્લા પંચાયત કચેરીની પાછળ વૃક્ષોના પડેલા પાંદડા, કચરો સહિતનાની સાવરણાં વડે સફાઈ કરીને આ કચરો દૂર કર્યો હતો. વૃક્ષોના પાંદડા અને કચરાથી થયેલા કમ્પોસ્ટ ખાતરને વૃક્ષોના ખામણાંઓમાં નાખીને વૃક્ષોને પોષણ મળે તેમજ હરિયાળું ગુજરાત બને તે દિશામાં પ્રયત્નો કર્યાં હતાં.
જિલ્લા કલેક્ટરએ આગેવાની લઈને હાથમાં સાવરણો પકડીને આ સફાઈ કરીને જિલ્લામાં દરેક શેરી, મહોલ્લો, ગલીઓ તેમજ શહેરો સુધી સ્વચ્છતા અભિયાન યોજાય તે માટેનું પ્રેરણારૂપ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ