ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ મોદીના આજના જન્મદિવસના અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થઈ છે. ક્લીન સાથે ગુજરાત ગ્રીન પણ બને તેવા ઉમદા અભિગમ સાથે વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનની શરૂઆત સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે સામાન્ય સફાઈકર્મી તરીકે કાર્યરત અરૂણાબહેન મનીષભાઈ વાજાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવે છે. તેના બદલે સ્વચ્છતા અંગેનો સંદેશો સમાજમાં આપોઆપ પ્રસરે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ અનોખો ઉપક્રમ અપનાવતાં મહાનુભાવની સાથે મહિલા સફાઈકર્મી દ્વારા વૃક્ષારોપણ કરવાનો નૂતન અભિગમ દાખવ્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, મહાનુભાવોના બદલે એક સામાન્ય કર્મચારી દ્વારા વૃક્ષારોપણ થવાથી સમાજમાં પણ એક સારો સંદેશ જશે. તેની સાથે વૃક્ષારોપણ કરનાર મહિલાને પણ પોતાના કાર્યની સંતુષ્ટિનો આનંદ મળશે.
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ સમાજનો સામૂહિક ઉપક્રમ છે. તેમાં સમાજનો દરેક નાગરિક જોડાય તે જરૂરી છે. કોઈ સમાજમાં ઉચ્ચ છે, કોઈ સમાજમાં નીચે છે, તે પ્રકારની ભાવના વગર સૌ સાથે મળી સમાજને સ્વચ્છ કરવાના આ અભિયાનમાં જોડાય તેવા ભાવથી મહિલાકર્મીના હસ્તે અમે વૃક્ષારોપણ કરાવ્યું છે.
આમપણ માતૃત્વશક્તિ ઉછેરમાં સૌથી અગ્રેસર હોય છે, ત્યારે વૃક્ષનો ઉછેર પણ મા ની મમતાની જેમ ભાવસભર થાય તેવો ભાવ પણ આ સાથે જોડાયેલો છે. તેમ તેમણે આ વૃક્ષારોપણ અંગે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ