ગીર સોમનાથ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિમાં વેરાવળ તાલુકાના ભાલપરા ગામે લોક પ્રશ્નોને વાચા આપવા અને નાગરિકલક્ષી પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોને કચેરી સુધી આવવું ન પડે તે માટે રાત્રિસભાના માધ્યમથી ભાલપરા ગામે ગ્રામજનો સાથે સંવાદ સાધી કલેક્ટરએ રૂબરૂ લોકોના પ્રશ્નોને સાંભળ્યાં હતાં.
આ રાત્રિસભામાં ગ્રામજનો દ્વારા આરોગ્ય સુવિધાઓ, ભાલકા મંદિરથી ચામુંડા સોસાયટીને જોડતા રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાઓ, સફાઈને લગતા પ્રશ્નો, સમયસર પીવાના પાણીની સમસ્યાઓ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
રાત્રિસભામાં કલેક્ટરશ્રીએ ગ્રામજનોના સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપી બને એટલી ત્વરાથી સમસ્યાઓનું નિરાકરણ કરવા માર્ગદર્શિત કર્યા હતાં.
કલેક્ટરશ્રીએ આંગણવાડીની બહેનોને જનની સુરક્ષા યોજના સહિતની યોજનાઓની માહિતી વધુમાં વધુ લોકોને મળે અને મહિલા અને બાળકોલક્ષી સરકારની યોજનાઓનો લાભ મહત્તમ લોકોને મળે એ રીતે કાર્ય કરવા સૂચનાઓ આપી હતી.
આ રાત્રિસભામાં ગ્રામજનોને 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન વિશે માહિતગાર કરી દર બુધવાર અને શુક્રવારે યોજાતા મમતા દિવસ, શાળામાં આપવામાં આવતી વિવિધ શિષ્યવૃત્તિઓ, ગણવેશ અને ભોજન અંગે, ખેતીવાડી વિભાગની કૃષિ વિષયક વિવિધ યોજનાઓની સહાય મેળવવા અંગે, ગામનો વિકાસ શહેરની સમકક્ષ થાય તે માટે રૂર્બન યોજના સહિતની સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ રાત્રિસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સર્વ ડી.પી.ચૌહાણ, અજય શામળા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન.બરૂઆ, અગ્રણી વિક્રમભાઈ પટાટ, સરપંચશ્રી સહિત ખેતીવાડી, માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ, સિંચાઈ સહિત વિભાગના અમલીકરણ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ