ગીર સોમનાથ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના સરપંચશ્રીઓ, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીઓ માટે તાલીમ યોજાઇ હતી.
આ તાલીમમાં સરપંચની ફરજો અને જવાબદારીઓ, ગ્રામ પંચાયતના ખર્ચ અને બેઠકો સંબંધી અગત્યની કાર્યપદ્ધતિઓ, વિવિધ સરકારી યોજનાઓ, કરવેરા વસૂલાત, નવીન આકારણી, પંચાયત એડવાન્સ ઇન્ડેક્સ(PAI 2.0), મનરેગા, સ્વચ્છ ભારત મિશન, PMAY, NRLM, મેન્યુઅલ સ્કેવેન્જર્સ સંબંધી કાયદા, સરકાર દ્વારા પંચાયતોને વિવિધ કામગીરી બદલ પ્રોત્સાહન/ પુરસ્કાર સહિતના વિષયોની માહિતી અપાઈ હતી.
ઉપરાંત પંચાયતની મિલ્કતોની સંભાળ, ગામતળ-ગૌચર વ્યવસ્થાપન, પંચાયતની મિલકતો અને ડેડ-સ્ટોકની જાળવણી, બાંધકામોની જાળવણી તથા આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર પણ તાલીમ અપાઈ હતી.
આ પ્રસંગે સરપંચશ્રીઓ, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમની આ તાલીમ તેમના રોજબરોજની ફરજો/ કામગીરીમાં ગુણવત્તા, સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ વધારશે, તેવા પ્રતિભાવો તેમણે આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લામાં “નિર્મળ ગુજરાત ૨.૦” અભિયાન અંતર્ગત તથા જિલ્લા કલેકટર, જૂનાગઢની સરપંચ-સંવાદ દરમિયાનની સૂચનાઓ અને જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓના ગત ચૂંટણીઓમાં ચૂંટાયેલાં નવનિયુક્ત સહિતના તમામ સરપંચોઓ, તલાટી-કમ-મંત્રીઓ અને પંચાયતના અન્ય કર્મચારીની તાલીમ યોજાઈ હતી.
આ તકે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી, આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓ અને જિલ્લા/ તાલુકા પંચાયતના પદાધિકારીઓ આ તાલીમમાં ઉપસ્થિત રહયા હતા અને સરકારની વર્તમાન યોજના અને કામગીરીઓ સહિતની બાબતે માર્ગદર્શન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ