મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં આવી ગયા હતા. વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા આ માર્ગોની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ડામર પેચવર્ક અને રોડની સપાટી સુધારવાના કામો ચાલી રહ્યા છે, જેથી રાહદારીઓ અને વાહનચાલકોને સુરક્ષિત તેમજ સરળ મુસાફરી મળી રહે.
સતલાસણા તાલુકાના રાણપુર-જસપુરીયા રોડ, મહેસાણાના તળેટી-મોહનપુરા રોડ તથા કડી તાલુકાના કાસવા એપ્રોચ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ડામર પેચવર્ક કરવામાં આવ્યું છે. વરસાદી નુકસાનને કારણે ઊંડા ખાડા પડી ગયા હતા, જેના કારણે વાહનચાલકોને જોખમ અને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મરામત કામગીરીથી આ ખાડાઓ પુરાઈને રસ્તાઓ ફરી ચાલવા યોગ્ય બન્યા છે.
રાજ્ય સરકારના નિર્દેશ બાદ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગોની ઓળખ કરી તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરાયું છે. વિભાગ દ્વારા ખાસ તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી સામાન્ય નાગરિકોને રાહત મળે. આ કામગીરી પૂર્ણ થતાં માર્ગ વ્યવહાર વધુ સુગમ બનશે અને પરિવહન સરળતાથી થઈ શકશે.
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી આ કામગીરીથી સ્થાનિકોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR