વિસનગર-મહેસાણા ફોરલેન રોડનું રિસર્ફેસિંગ કાર્ય શરૂ
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગર શહેરના કડા ચાર રસ્તાથી કમાણા ચોકડી થઈને મહેસાણા ચાર રસ્તા સુધીના 1.300 કિલોમીટરના ફોરલેન રોડના નવીનીકરણની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ત્રાંસવાડ-છાબલીયા રોડ માટેના રૂ. 2.67 કર
વિસનગર-મહેસાણા ફોરલેન રોડનું રિસર્ફેસિંગ કાર્ય શરૂ


મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): વિસનગર શહેરના કડા ચાર રસ્તાથી કમાણા ચોકડી થઈને મહેસાણા ચાર રસ્તા સુધીના 1.300 કિલોમીટરના ફોરલેન રોડના નવીનીકરણની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ત્રાંસવાડ-છાબલીયા રોડ માટેના રૂ. 2.67 કરોડના પેકેજનો એક ભાગ છે. હાલમાં 50 એમ.એમ. બી.એમ. (મોટી કપચી) નાખવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સ્તર પૂર્ણ થયા બાદ તેના પર એસ.ડી.બી.સી. (નાની કપચી) પાથરવામાં આવશે, જેથી રોડ વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ રહે.

લાંબા સમયથી આ રોડ ખરાબ હાલતમાં હોવાથી ઠેર-ઠેર ખાડા પડ્યા હતા. વરસાદ અને સતત વાહનવ્યવહારને કારણે પરિસ્થિતિ વધુ નાજુક બની ગઈ હતી. રોડની ખરાબીથી વાહનચાલકોને મોટાપાયે તકલીફો પડી રહી હતી. ખાસ કરીને વેટમીક્સના કારણે ઉડતી ધૂળ આસપાસના રહેવાસીઓ અને વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ હતી. ધૂળના કારણે શ્વાસ સંબંધિત તકલીફો પણ વધી રહી હતી, જેને કારણે નવા રોડની માગણી વારંવાર ઉઠી રહી હતી.

આ રિસર્ફેસિંગ કાર્ય પૂર્ણ થયા બાદ નાગરિકોને આરામદાયક અને સુરક્ષિત અવરજવર મળશે. શહેરના મુખ્ય માર્ગ પર થઇ રહેલા આ નવીનીકરણથી વાહનચાલકોને મોટી રાહત મળશે અને ટ્રાફિક પણ સરળ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande