ગાંધીનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): યુવાન એટલે માત્ર શક્તિ નહીં, પણ સંસ્કાર, જવાબદારી અને ત્યાગનું જીવંત પ્રતિક છે. કોલેજ કાળથી જ યુવાનોમાં નેતૃત્વના કૌશલ્ય વિકસિત થાય, જવાબદાર, સમજદાર અને શ્રેષ્ઠ નાગરિક બને તે હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ૧૦૭મી પાંચ દિવસીય નિવાસી શિબિર યોજાઈ જેમાં ૧૭ કોલેજના ૭૨ વિધાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ટ્રેઈનર તરીકે હરેશ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને એક અનોખા અને હસતા રમતા જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં જીવનને સાર્થક કરવા માટે કર્મના સિદ્ધાંતો, ઈરાદા અને કાબેલિયતનું મહત્વ, “હું કોણ છું”, ઈમોશનલ ઈન્ટેલિજન્સ, આત્મવિશ્વાસ કેવી રીતે વધી શકે, જાહેર વકૃત્વ કળા, સહાનુભૂતિ અને કરુણા જેવા મૂલ્યવર્ધિત વિષયો સરળ ઉદાહરણો અને રમતો સાથે સાથે સમજાવ્યા હતા. સમાજ સેવક તરીકે કાર્યરત પારુલ અત્તરવાલા ગેસ્ટ સ્પીકર તરીકે હાજર રહી વિધાર્થીઓને જીવનમાં સેવાભાવનાનું મહત્વ સમજાવ્યું હતું.
સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ કોલેજના આચાર્ય ડો. લલીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમણે વિદ્યાર્થીઓને ઉત્તમ વિચારો, ઉત્તમ ગુણો અને ઉત્તમ આચરણ થકી શ્રેષ્ઠ નાગરિક બની અન્ય ને ઉપયોગી થવાની પ્રેરણા પૂરી પાડી હતી. પાંચ દિવસીય શિબિરના અંતે અંતે ડો. ધર્મેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી સહયોગ આપનાર સૌ પ્રતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. શિબિરના છેલ્લા દિવસે તમામ યુવાનોને ઉવારસદ સ્થિત સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ની મુલાકાત કરાવી હતી. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલ સાહેબે તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ