ગાંધીનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): આજનો યુવાન વિચારશીલ, સંવેદનશીલ બને અને અન્યને મદદ કરવાનો ભાવ કેળવાય એ હેતુથી કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ પટેલની પ્રેરણાથી સમયાંતરે સર્વ નેતૃત્વના તાલીમાર્થીઓને ગુજરાતભરમાં સમાજ ઉત્કર્ષ અને સમાજ ઉત્થાનના કાર્યો સાથે જોડાયેલી સંસ્થાની મુલાકાત કરાવાય છે જેના ભાગરૂપે સર્વ વિધાલયની ૧૭ કોલેજના ૭૨ યુવાનોને સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર, ઉવારસદ ખાતે લઈ જવાયા હતા જ્યાં ભરતભાઈ પ્રજાપતિ દ્વારા સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો માટે ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
મુલાકાત બાદ તમામ યુવાનોએ સદવિચાર પરિવાર કેન્દ્રના સંચાલક અને ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાંત જહાં સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજનો યુવાન ઉર્જા, ઉત્સાહ અને નેતૃત્વના ગુણોથી થી ભરપૂર છે જરૂર છે તો ગુણોને જાણવાની અને યોગ્ય દિશામાં તેના ઉપયોગની. દરેક વિધાર્થીએ “I Can – હું જ કરીશ” એવો દ્રઢ સંકલ્પ સાથે જીવનમાં આગળ વધવું જોઈએ. તેમણે યુવાનોને સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવી, આત્મવિશ્વાસ સાથે દરેક પરિસ્થિતિમાં મર્યાદા સામે લડવાની શક્તિ વિકસાવવા માટે આહવાન કર્યું હતું. સામાજિક જવાબદારીની વાત કરતાં તેમણે ઉમેર્યું કે યુવાન અવસ્થા થી રોજિંદા જીવનમાં કોઈને કોઈ રીતે અન્યને મદદ કરવાનો સંસ્કાર વિકસાવવો જોઈએ. મદદ નાની હોય કે મોટી – તેનું મૂલ્ય હંમેશા મહાન હોય છે. રસ્તામાં પડેલો કચરો કચરાપેટીમાં નાખવાનો હોય કે અજાણ્યા વ્યક્તિને રસ્તો બતાવવાનો હોય – આવી નાની નાની બાબતો જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આમ યુવાનો સાથેના સંવાદમાં પોતાના જીવન પ્રસંગો અને અનુભવોની વાત કરી ઉપસ્થિત યુવાનોમાં પ્રેરણા, ઉત્સાહ અને નવીન ઉર્જાનો સંચાર કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ