આરોગ્ય કેમ્પ માં મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ, નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા મફત સારવાર, ધારાસભ્ય મહેશ કસવાળા રહ્યા ઉપસ્થિત
અમરેલી, 19 સપ્ટેમ્બર (હિ.સ.): સાવરકુંડલાના વી.ડી. કણકીયા કોલેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં આસપાસના ગામો તથા શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. લોકોમાં આરોગ્ય જાગૃતિ વધે અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક આરોગ્યસેવા મળે તે હેતુથી આ કેમ્પ યોજાયો હતો.
કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમે વિવિધ રોગોની તપાસ કરી, જેમાં હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ચામડીના રોગો, આંખ-દાંતની સમસ્યાઓ સહિતની ચકાસણીઓ કરવામાં આવી. જરૂરી દર્દીઓને સ્થળ પર જ દવાઓ પણ મફતમાં આપવામાં આવી. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના આરોગ્ય સંબંધિત પ્રશ્નો માટે વિશેષ કાઉન્સેલિંગ સત્રો પણ યોજાયા.
આ પ્રસંગે અમરેલીના ધારાસભ્ય મહેશ કસવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેમ્પનું નિરીક્ષણ કર્યું અને તબીબોની સેવાકાર્ય માટે પ્રશંસા વ્યક્ત કરી. ધારાસભ્યએ જણાવ્યું કે આવા આરોગ્ય કેમ્પો દ્વારા ગ્રામ્ય અને શહેરી નાગરિકોને આરોગ્યલાભ મળે છે અને તેઓને સમયસર સારવાર પ્રાપ્ત થાય છે.
વી.ડી. કણકીયા કોલેજ ખાતે યોજાયેલ આ સર્વરોગ નિદાન કેમ્પથી અનેક નાગરિકોને આરોગ્યલાભ મળ્યો હતો, જેને કારણે નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai