અમરેલી, 19 સપ્ટેમ્બર (હિ.સ.): લોકલ પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપતું GLPCનું આયોજન, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા ની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ સંપન્ન થયું.
આજરોજ અમરેલી ખાતે ગુજરાત લાઇવલિહૂડ પ્રમોશન કંપની (GLPC) દ્વારા આયોજિત સરસ મેળાનું ભવ્ય ઉદ્ઘાટન અતિથિવિશેષ તરીકે પધારેલા અમરેલીના માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા સાંસદ લોકસભા અમરેલી તેમજ પ્રમુખ ભરતભાઈ સુતરીયાના વરદ્હસ્તે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક સ્વરાજ સંસ્થાના આગેવાનો, અધિકારીઓ તેમજ મોટા પ્રમાણમાં નાગરિકો હાજર રહ્યા હતા.
આ મેળાનો હેતુ ગ્રામ્ય મહિલાઓ, સ્વસહાય જૂથો તથા હસ્તકલા કારોબારીઓને પોતાની પ્રોડક્ટ્સ સીધી જ જનતા સમક્ષ રજૂ કરવાની તક આપવાનો છે. મેળામાં ઘરેલું ખાદ્યપદાર્થો, હસ્તકલા સામગ્રી, હેન્ડમેડ વસ્ત્રો તેમજ ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારંભમાં અતિથિઓએ ગ્રામ્ય મહિલાઓના સ્વાવલંબન અને આત્મનિર્ભર ભારતના વિઝન માટે આવા આયોજનને જરૂરી ગણાવ્યું હતું.
આ પ્રસંગે હાજર રહેલા નાગરિકોએ પણ સરસ મેળાને હર્ષભેર આવકાર્યો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ખરીદી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અમરેલીમાં યોજાયેલ આ મેળો આગામી દિવસોમાં નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai