સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે બાળકો માતા પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વાળે, સ્વદેશી વસ્તુને જ ઘરમાં લાવવાનો સંકલ્પ લે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સાદરા ખાતે ત્રિ-દિવસીય ખેલ ભારતી-૨૦૨૫ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, ગાંધીનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર જિલ્લામાં આવેલા ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરમાં આજથી શરૂ થયેલા અને ત્રણ દિવસ ચાલનારા, ખેલ ભારતી-૨૦૨૫
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


સાદરા


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સાદરા ખાતે ત્રિ-દિવસીય ખેલ ભારતી-૨૦૨૫ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો,

ગાંધીનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર જિલ્લામાં આવેલા ગુજરાત વિદ્યાપીઠના સાદરા પરિસરમાં આજથી શરૂ થયેલા અને ત્રણ દિવસ ચાલનારા, ખેલ ભારતી-૨૦૨૫ ને ગુજરાતના રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતએ મશાલ પ્રગટાવીને ખુલ્લો મૂકયો હતો.

ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય કાર્યક્રમ ખેલ ભારતી-૨૦૨૫ના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ મલ્લખમ અને તલવારબાજીના કાર્યક્રમોની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, પૂજય બાપુ એવું માનતા કે, જીવનભર અનેક કાર્યો કરવામાં વ્યસ્ત રહેવાથી તેમને ક્યારેય ખેલાડીની જેમ એક મેદાન મળ્યું ન હતું. આ વાતના ખેદ સાથે બાપુ હંમેશા કહેતા કે, બાળક અભ્યાસ સાથે શારીરિક રીતે પણ સ્વસ્થ રહેવું જોઈએ. તંદુરસ્તીએ જીવનની સૌથી મોટી મૂડી છે. ત્યારે સાદરા ખાતેના આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા ૧૧૦૦ જેટલા બાળકો રોજિંદા જીવનમાં ખેલકૂદને વણી લે અને ગમતી કોઈ એક રમત માટે આજીવન એક કલાક ફાળવે તો તેમનું ભવિષ્ય ઉજજવળ બનશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી અને સ્વાતંત્ર્ય દિને જણાવ્યું હતું કે, સ્વસ્થ ભારત જ વિકસિત ભારતનો આધાર બની શકશે. આજે દેશમાં ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર જેવા રોગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ બીમારીઓના સમાધાનનું મૂળ પ્રાકૃતિક ખેતી છે તેમ કહી તેમણે સ્પર્ધામાં આવેલા બાળકોને અપીલ કરી હતી કે, તપસ્વી ખેડૂતના અને ગામડાના બાળકો દરેક પ્રકારનો સંઘર્ષ કરવો જાણે છે ત્યારે આ બાળકો તેમના માતા-પિતાને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આગ્રહ કરે તો સ્વસ્થ ભારતનું નિર્માણ થશે.

રાજ્યપાલ ઉમેર્યું હતું કે, ખેલકુદ થકી બાળક સશક્ત બને છે, સાથે જ બાળકોમાં સહકારની ભાવના અને સંકલનનો ભાવ કેળવાય છે તેથી તે ક્યારેય એકલું બની ડિપ્રેશનનો ભોગ બનતું નથી,સાથે જ મેદસ્વિતાથી દૂર રહે છે. આ સાથે તેમણે સ્પર્ધામાં ભાગ લઈ રહેલી દરેક ટીમને ખેલદિલીથી રમતોમાં જોડાવા અને દ્વેષથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.

ખેલકૂદ અને યોગના માધ્યમથી સ્વસ્થ અને ખુશ રહેવા જણાવી રાજ્યપાલએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં ભારતનો દરેક પરિવાર જોડાઈ શકે છે. આ માટે દરેક પરિવારે સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવો જોઈએ. બજારમાં મળતી વસ્તુઓની યાદી તૈયાર કરી આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણા રૂપિયા આપણા દેશમાં જ રહે તેવો પ્રયત્ન કરવા અને સ્વદેશી વસ્તુને જ ઘરમાં લાવવાનો સંકલ્પ લેવા તેમણે આગ્રહ કર્યો હતો.

આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખેલભારતીમાં ભાગનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી, શીખ આપતા જણાવ્યું હતું કે, આપણા જીવનમાં મેદાનનું ખૂબ મહત્વ છે. મેદાન જીવનના પાઠ ભણાવે છે. રમતમાં જીતવા કરતા ભાગ લેવો એ વધુ મહત્વનું છે. આપણી તંદુરસ્તી મેદાનથી નક્કી થાય છે. તમે કોઈપણ ક્ષેત્રમાં જાવ જીત કે હાર કાયમી નથી. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના કુલપતિ ડો. હર્ષદ પટેલે વિદ્યાર્થીઓને સાદરા ગામનું મહત્વ અને ઈતિહાસ જણાવ્યો હતો.

રાજ્યપાલનું સાદરા પરિસરમાં બેન્ડવાજા સાથે વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થિનીઓએ માથે કળશ લઈને ભવ્ય સ્વાગત કર્યું હતું. ખેલના મેદાનમાં મલ્લખમનો વ્યાયામ, તલવારબાજી, પરેડ, અવનવા કરતબો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મહાનુભાવોનું દિલ જીતી લીધું હતું.

ખેલ ભારતી-૨૦૨૫ના ભવ્ય સમારંભમાં, અમદાવાદના સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, સાદરાના સરપંચ મહેન્દ્રભાઈ રાવલ, ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ તેમજ શારીરિક શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો.પ્રભુલાલ કાસુન્દ્રા, સાંસ્કૃતિક અને કલ્યાણ શાખાના અધ્યક્ષ સુશ્રી ચાર્મી પંચાલ, વિવિધ વિદ્યાશાખાના ડીનઓ, અધ્યાપકો, સાદરાની અન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ, નાના ભૂલકાંઓ, સાદરા ગામના આગેવાનો અને ગુજરાત વિદ્યાપીઠ સાદરાના વિદ્યાર્થી -વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande