અમરેલી, 19 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામે આવેલ ડુંગર ઉપર સ્થિત ખોડિયાર માતાના મંદિરે નવરાત્રિ પૂર્વે એક અનોખું દૃશ્ય જોવા મળ્યું. મંદિર પરિસર પાસે અચાનક જંગલમાંથી એક સિંહણ આવી પહોંચી અને આસપાસના વિસ્તારમાં આંટાફેરા કર્યા. આ ક્ષણ ગામલોકોના કેમેરામાં કેદ થતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.
ગામલોકોના જણાવ્યા અનુસાર, સિંહણ થોડા સમય સુધી મંદિરની આસપાસ ફર્યા બાદ પરત જંગલ તરફ ચાલી ગઈ હતી. આ બનાવથી ગામમાં એક તરફ રોમાંચ જોવા મળ્યો તો બીજી તરફ ગ્રામજનોમાં થોડી ભીતિ પણ વ્યાપી હતી. ખાસ કરીને નવરાત્રિ નજીક હોવાથી મંદિર તરફ ભક્તોની અવરજવર વધી રહી છે, જેના કારણે સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે શાખપુર વિસ્તાર ગીરના જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી સિંહ-સિંહણોનું આંટાફેરું અહીં સામાન્ય છે. તેમ છતાં ભક્તોને સતર્ક રહેવા તથા એકલા જતા ટાળવા સૂચના આપવામાં આવી છે.
ખોડિયાર ધામમાં સિંહણના આંટાફેરાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai