અમરેલી, 19 સપ્ટેમ્બર (હિ.સ.): તાલુકાવાર સેક્સ રેશિયોનો સમીક્ષા અહેવાલ, ઓછા સેક્સ રેશિયો ધરાવતા તાલુકાઓમાં સ્ટીંગ અને ડિકોય ઓપરેશન ચલાવવાની સૂચના
અમરેલી જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (PC–PNDT) ની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા સ્તરના આરોગ્ય અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તાલુકાવાર સેક્સ રેશિયોનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું. કેટલાક તાલુકાઓમાં સેક્સ રેશિયો સંતોષકારક હોવાનું જણાયું, જ્યારે કેટલાક તાલુકાઓમાં હજુ પણ અપેક્ષા મુજબ સુધારો જોવા મળ્યો નથી.
કમીટી દ્વારા ખાસ કરીને ઓછા સેક્સ રેશિયો ધરાવતા તાલુકાઓમાં તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી. આ અંતર્ગત ગર્ભપાત સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું. અધિકારીઓને સ્ટીંગ ઓપરેશન તથા ડિકોય ઓપરેશન હાથ ધરવા સૂચના આપવામાં આવી છે, જેથી ગેરકાયદેસર રીતે સોનોગ્રાફી અને ગર્ભલિંગ નિર્ધારણ કરતા ડૉક્ટર કે ક્લિનિક સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે.
બેઠકમાં બાળકીના જન્મને પ્રોત્સાહન આપવા, “બેટી બચાવો – બેટી વાંચાવો” અભિયાનને વધુ પ્રભાવશાળી બનાવવા તથા સામાજિક જાગૃતિ માટે જનસહભાગિતાને પણ આવશ્યક ગણાવવામાં આવી.
આ બેઠકથી અમરેલી જિલ્લામાં સેક્સ રેશિયો સુધારવાના પ્રયાસોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai