પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા ગામમાં 14 જૂન, 2021ના રોજ દારૂ પીવા માટે પૈસાની માગણી અંગે થયેલી ઝપાઝપીએ એક વ્યકિતના મૃત્યુમાં પરિણમ્યો હતો. આ ઘટનામાં આરોપી ઝીલાજી બીજલજી ઠાકોર (ઉ.મ્. 24)એ પોલીસ ફરિયાદી પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. ફરિયાદીએ પૈસા આપવાનો ઇનકાર કરતાં ઉશકેરાયેલા ઝીલાજી અને બીજલજીએ મળીને તેમની પર હુમલો કર્યો હતો.
ફરિયાદી ભરતજી મથુરજી ઠાકોર, જે કાંસા ગામના બસ સ્ટેન્ડ પાસે પાન પાર્લર ચલાવતા હતા, તેઓ 14 જૂને સાંજે દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રેલવે ગરનાળા પાસે આરોપીઓએ દારૂ માટે પૈસા માંગ્યા હતા. ના પાડતાં ઝીલાજીએ ધોકા વડે અને બીજલજીએ ગડદા પાટા વડે માર મારો કર્યો હતો. નજીકના લોકોએ તેમને બચાવ્યા હતા, પરંતુ મારામારી દરમિયાન તેમની પાસેથી રૂ.1600 પણ ખોવાઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત ભરતજીને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ અને પછી પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, ઇજાની ગંભીરતાને કારણે 16 જૂન, 2021ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાને પગલે પહેલા નોંધાયેલી ફરિયાદમાં IPC કલમ 302 (ખૂન)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પાટણ સેસન્સ કોર્ટમાં ચાલેલા કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે આરોપીનો મૃત્યુ લાવવાનો ઈરાદો નહોતો, તેથી આ કેસને ખૂનના બદલે ગુનાહિત મનુષ્યવધ (IPC કલમ 304 ભાગ-2) ગણવામાં આવ્યો. સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરે દલીલ કરી હતી કે મૃતક પોતાના વૃદ્ધ માતા-પિતાનું એકમાત્ર આધાર હતું અને તેમણે 10 વર્ષની સજાની માગણી કરી હતી. છતાં કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને 5 વર્ષની સખત કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકારી વકીલ જીતેન્દ્ર બારોટે પણ રજૂઆત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ