ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.
ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્ય ભગવાનબારડ દ્વારા તાલાલા તાલુકાના રાયડી અને સૂત્રાપાડાના પાધરૂકા ગામે પવનચક્કી અંગે સહિત જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા પ્રાચી પાણી પૂરવઠા જૂથ યોજના કામનો પ્રગતિ અહેવાલ, ધામળેજ બંદરની 'દિશાસૂચક' દિવાદાંડી અંગે, બાદલપરા ગામે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ ચૂકવણી બાબત સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
કલેક્ટરએ જનપ્રતિનિધિઓ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી રજૂ થતી સમસ્યાઓને અગ્રતાક્રમ આપી ત્વરીત ઉકેલની દિશામાં કામ કરવા માટે ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓને માર્ગદર્શિત કર્યાં હતાં. આ સાથે જ તેમણે વિકાસલક્ષી જરૂરીયાતોના મુદ્દાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવા માટે ચોક્કસ આયોજન બનાવી અમલીકરણ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી
જનપ્રતિનિધિઓ અને નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેના ઝડપી અને કાયમી ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂકી કલેક્ટરએ વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની ખાસ સૂચના આપી હતી.
સંકલન સમિતિમાં વિવિધ વિભાગની નાગરિકલક્ષી સેવાઓની અરજી નિકાલ અંગે, એસ.ટી.નિગમ, માહિતી વિભાગ સહિતના વિભાગના બાકી રહેતા બીલની રકમનું ચૂકવણાં બાબત, બાકી રહેલા પેન્શન કેસમાં ચૂકવણી અંગે, સરકારી લેણાંની વસૂલાત અંગે, કર્મચારીઓના બાકી રહેતા ખાનગી અહેવાલ લખવા તથા તેમની સમિક્ષા તેમજ સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નોના ત્વરીત નિરાકરણ અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, નાયબ વન સંરક્ષક ઉષ્માબહેન નાણાવટી, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિત આરોગ્ય, ફિશરિઝ, આયોજન, આર.ટી.ઓ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ, પી.જી.વી.સી.એલ, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ સહિતના સંલગ્ન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ