ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)
કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સ્પાઇરલ સીડ સેપરેટર વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ મશીન દ્વારા ગોળ પ્રકારના દાણાનું પ્રાથમિક મૂલ્યવર્ધન કરી શકાય છે. આ કાર્યક્રમમાં સાંઢણીધાર, કાણકીયા, રંગપુર, ભૂવાટિંબી, ટોબરા, આલિદર, લોઢવા, માલશ્રમ ગામોના ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ મશીનથી ગોળ પ્રકારના દાણા જેવા કે સોયાબીન, તુવેર, મગ, અડદ, વટાણા, મરી તથા જુવાર વગેરેની એક કલાકમાં એક ખાંડી દાણાની સફાઇ કરી શકાય છે. જેમાં એક બાજુ સફાઇ થયેલા ચોખ્ખા દાણા અને એક બાજુ કચરો જમા થાય છે.
સામાન્ય રીતે જો ચારણીથી સફાઇ કરવામાં આવે તો ૧ કલાકમાં ૩૦ કિલો દાણાંની જ સફાઇ થઇ શકે છે. આ પદ્ધતિ કરતાં સ્પાઈરલ સીડ સેપરેટર વધુ ત્વરાથી કામ કરે છે. આ સાધનમાં વીજળીની જરૂરિયાત રહેતી નથી અને ૯૦ ટકા સમયની બચત થાય છે.
આ તાલીમમાં સોમનાથ, ધન્વંતરી અને કે.એસ. ફાર્મર પ્રોડયુસર કંપની ઉપસ્થિત રહી હતી. આ તાલીમ બાદ ખેડૂતો દ્વારા કુલ ૧૩ સ્પાઇરલ સીડ સેપરેટર મશીન ખરીદવામાં આવ્યાં હતાં.
આ ટેક્નોલોજી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે હોમસાયન્સના વિષય નિષ્ણાંત ડો. હંસાબેન પટેલ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વડા જિતેન્દ્રસિંહ દ્વારા ખેડૂતોને આ મશીનના ઉપયોગ અને જાળવણી વિષે માહીતી આપવામા આવી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ