જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્યમાં હૃદયરોગના હુમલાના સતત વધી રહેલા બનાવો વચ્ચે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોના માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, લતીપર ગામના રામાણી પરિવારમાં ત્રણ દિવસની અંદર ત્રણ પુરુષ સભ્યોએ જીવ ગુમાવ્યો છે. રામાણી પરિવારના 85 વર્ષીય વડીલ ગાંડુભાઈ રામાણી, અરજણભાઈ રામાણી ( ઉં.વ. 74) અને અશ્વિનભાઇ રામાણી (ઉં.વ. 45) નું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.
એક જ પરિવારના ત્રણ પુરુષ સભ્યોના આકસ્મિક અને એક પછી એક મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ ઘટનાએ ગામમાં ભારે શોક અને ગમગીનીનો માહોલ સર્જ્યો છે. રાજ્યભરમાં વધી રહેલા હૃદયરોગના કેસ વચ્ચે આ કરુણ ઘટનાએ ચિંતામાં વધુ વધારો કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt