મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) કડી તાલુકાના થોળ ખાતે આવેલી શ્રી રાધા કૃષ્ણ પાંજરાપોળ ટ્રસ્ટમાંથી ગંભીર બેદરકારીનો કેસ બહાર આવ્યો છે. અહીં 20થી વધુ ગાયો કાદવ અને કિચડમાં ફસાઈને મૃત્યુ પામેલી હાલતમાં મળી આવી હતી. આ હૃદયદ્રાવક દૃશ્યો સામે આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
સ્થાનિકોએ આ ઘટનાને ગૌશાળાના સંચાલન અને પશુ સંભાળની ગંભીર ખામી ગણાવી છે. ગાયોના મૃતદેહો લાંબા સમયથી કાદવમાં પડેલા હોવાના કારણે દુર્ગંધ ફેલાઈ હતી, જેનાથી ગ્રામજનોમાં પણ અસમાધાન ફેલાયું છે. પશુઓને યોગ્ય આશ્રય, આહાર અને સારવાર ન મળવાના કારણે આ દુર્ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે.
આ મામલો સામે આવતા જ જીવદયા સંગઠનો અને ગ્રામજનોએ તંત્રને તાકીદે કાર્યવાહી કરવાની માગ કરી છે. તેઓનું કહેવું છે કે, ગૌશાળા ચલાવતા ટ્રસ્ટની બેદરકારી અક્ષમ્ય છે અને નિર્દોષ ગાયોના મોત માટે જવાબદાર લોકોને કડક સજા થવી જોઈએ.
આ ઘટના ગૌશાળાઓના સંચાલન પર મોટા પ્રશ્નો ઉભા કરે છે કે શું ગાયોની સાચી રીતે સંભાળ લેવાઈ રહી છે કે નહીં? હવે જોવાનું રહેશે કે તંત્ર કઈ રીતે ઝડપી પગલાં લે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR