પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.): 14મી ઓગસ્ટે પાટણ સિવિલ હોસ્પિટલમાં એક અજાણી વ્યક્તિ દ્વારા પારણામાં મૂકાયેલું નવજાત શિશુ મળ્યું હતું. હોસ્પિટલ સ્ટાફે તરત જ બાળકને સારવાર આપવાનું શરૂ કર્યું અને જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ પોલીસને જાણ કરી હતી.
બાળકની તબીબી તપાસ માટે બાળરોગ નિષ્ણાત અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટની ટીમે નિરીક્ષણ કર્યું. તેમના અભિપ્રાય મુજબ બાળકને 14થી 21 દિવસની સારવારની જરૂર હતી. જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો અહેવાલ મેળવ્યો. બાળક સંપૂર્ણ સ્વસ્થ થયા પછી, સમિતિએ તેનો કબજો સંભાળ્યો હતો.
પાટણમાં શિશુગૃહની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને પાલનપુર શિશુગૃહમાં ખસેડવામાં આવ્યો છે. હવે પાટણ જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળકના વાલી કે વારસાની શોધ માટે જાહેર જાહેરાત કરશે. જો 60 દિવસની અંદર કોઈ વાલી સામે નહીં આવે, તો દત્તક પ્રક્રિયા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ