વડોદરા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) આજરોજ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા, ફતેહગંજ ખાતે “આપણી શાળા, આપણું સ્વાભિમાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ શાળાને માત્ર શિક્ષણ પૂરતું કેન્દ્ર ન રાખીને તેને વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ માટે ગૌરવનું પ્રતિક બનાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું.
કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી શર્મિષ્ઠાબેન સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે શાળા એ માત્ર ભણતરનું સ્થાન નથી પરંતુ તે ભવિષ્ય ઘડવાનું પવિત્ર મંદિર છે. “આપણી શાળા, આપણું સ્વાભિમાન” જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં શાળાપ્રતિનો ગર્વ તેમજ સમાજમાં શિક્ષણ પ્રત્યેનું સકારાત્મક વાતાવરણ વિકસે છે.
શાળાની એસ.એમ.સી.ના અધ્યક્ષશ્રી સહિત સભ્યો તથા મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વાલીઓએ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને શાળાને વધુ સશક્ત અને સુવ્યવસ્થિત બનાવવા પોતાના વિચારો રજૂ કર્યા. શિક્ષકો દ્વારા શાળાની હાલની પરિસ્થિતિ, વિદ્યાર્થીઓની પ્રગતિ તથા ભવિષ્યના લક્ષ્યો અંગે માહિતી આપવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન વાલીઓએ શાળાની સ્વચ્છતા, નવી સુવિધાઓ તથા બાળકો માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ વધારવા અંગે સૂચનો આપ્યા. આ પ્રસંગે શિક્ષકો અને વાલીઓ વચ્ચે સીધો સંવાદ સર્જાયો, જેના કારણે શાળા વિકાસ માટે સંયુક્ત પ્રયત્નોનો માર્ગ સુગમ બન્યો.
આ કાર્યક્રમ દ્વારા સ્પષ્ટ થયું કે જ્યારે શાળા, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌ એક સાથે આવે છે ત્યારે શિક્ષણની ગુણવત્તા તથા શાળાની પ્રતિષ્ઠા ઉંચી જાય છે. “આપણી શાળા, આપણું સ્વાભિમાન” જેવા કાર્યક્રમો ભવિષ્યમાં વધુ મજબૂત શૈક્ષણિક પરંપરા સ્થાપિત કરવામાં સહાયરૂપ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya