અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.)
અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ – રોજ, ભુંડ, સિંહ અને દીપડાના ત્રાસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રાણીઓ ખેતી પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રિ સમયે ખેતરોમાં ઘુસી પાકનો નાશ કરવાના બનાવો વારંવાર સર્જાઈ રહ્યા છે. પાકનો નાશ થવાથી ખેડૂતોનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને જીવન નિર્વાહમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.
તે જ નહીં, પરંતુ ઘણા ખેડૂતો પર આ જંગલી પ્રાણીઓ દ્વારા જીવલેણ હુમલાઓ પણ થઈ ચૂક્યા છે. ખેડૂતોને જીવના ભય સાથે ખેતરોમાં જવું પડે છે, જે તેમની દૈનિક જીવનશૈલીને અતિ જોખમમાં મૂકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખેડૂતોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં જંગલી પ્રાણીઓના ત્રાસથી બચાવ કરવા માટે તાત્કાલિક અસરકારક પગલાં ભરવા, યોગ્ય વળતર યોજનાઓ અમલમાં મૂકવા અને ખેડૂતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગણી કરવામાં આવી છે.
ખેડૂતો આશા વ્યક્ત કરે છે કે જિલ્લા પ્રશાસન અને વનવિભાગ તાત્કાલિક હસ્તક્ષેપ કરશે અને તેમની પીડાને દૂર કરવા માટે પગલાં લેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai