પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન રેલવે ગરનાળાની બહારનો જાહેર માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. એક જાગૃત નાગરિકે લાકડી પર કપડાનો ટુકડો બાંધીને વાહનચાલકોને ચેતવણી આપી છે જેથી કોઈ દુર્ઘટના ના થાય.
આ રસ્તે રોજ હજારો નાગરિકો પસાર થાય છે. ખાડાઓના કારણે વાહનચાલકોને કમર તથા સાંધાના દુખાવાની તકલીફ સર્જાઈ છે. ઉપરાંત વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. ખરાબ રસ્તાઓને કારણે લોકોના રોજિંદા જીવન પર નકારાત્મક અસર પડી રહી છે.
સ્થાનિક રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને અરજીઓ આપીને તાત્કાલિક માર્ગ મરામતની માંગણી કરી છે. રહીશોનું કહેવું છે કે જો સમયસર મરામત નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ