અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાની અંદર આવેલ ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળાએ આજે સમગ્ર જિલ્લામાં અનોખી ઓળખ મેળવી છે. સામાન્ય રીતે સરકારી શાળાઓ અંગે લોકોની માન્યતા એ રહી છે કે ત્યાં અભ્યાસનું સ્તર નબળું હોય છે, સુવિધાઓ ઓછા હોય છે અને બાળકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. પરંતુ ઈશ્વરીયા ગામની આ પ્રાથમિક શાળાએ એ તમામ માન્યતાઓને ખોટી સાબિત કરી દીધી છે. આજે આ શાળામાં માત્ર ઈશ્વરીયા ગામ જ નહીં, પરંતુ અમરેલી શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. આ વાત એનો પુરાવો છે કે સરકારી શાળાઓ પણ યોગ્ય પ્રયત્ન, સંચાલન અને શિક્ષકોના શ્રેષ્ઠ કાર્યથી ખાનગી શાળાઓને ટક્કર આપી શકે છે.
ઈશ્વરીયા ગામના વિદ્યાર્થી વામજા જયરાજે જણાવ્યું કે તેઓ હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને પોતાની જ શાળાને જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શાળા ગણાવે છે. તેમનું કહેવું છે કે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે સુમેળભર્યું વર્તન કરે છે, તેમને સમજાવીને અને પ્રોત્સાહિત કરીને અભ્યાસ શીખવાડે છે. માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નહીં પરંતુ સંગીત, રમતગમત, કોમ્પ્યુટર શિક્ષણ અને આધુનિક ટેબલેટ દ્વારા ટેકનોલોજી આધારિત શિક્ષણ પણ આપવામાં આવે છે. આ કારણે બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ વધે છે અને તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.
બીજી તરફ અમરેલી શહેરની વિદ્યાર્થિની ગઢાદરા રીધીનો અનુભવ પણ અનોખો છે. તેઓ પોતે શહેરમાં રહેતાં હોવા છતાં દરરોજ ઈશ્વરીયા ગામે આવી અભ્યાસ કરે છે. તેમની સાથે અમરેલી શહેરની અનેક છોકરીઓ અને છોકરાઓએ પણ ખાનગી શાળાઓ છોડીને ઈશ્વરીયા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. રીધીના જણાવ્યા મુજબ, શાળાની અંદરનું વાતાવરણ ખૂબ જ ઉત્તમ છે. શિક્ષકો વિદ્યાર્થીઓને પરિવારના સભ્યની જેમ માર્ગદર્શન આપે છે. અભ્યાસમાં આનંદ આવે છે અને સ્પર્ધાત્મક વાતાવરણ હોવા છતાં મિત્રતા અને સહકારનું માહોલ ટકાવી રાખવામાં આવ્યો છે.
ઈશ્વરીયા પ્રાથમિક શાળાના આચાર્ય પરેશ ગાંગડીયાએ જણાવ્યું કે દર વર્ષે આ શાળામાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી ભારે માંગ રહે છે. શાળાની અંદર હાલ 400 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી આશરે 300 વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી આવે છે. આથી સાબિત થાય છે કે શાળાની લોકપ્રિયતા ગામની સીમાઓને પાર કરીને સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ છે.
શિક્ષકોની પ્રતિબદ્ધતા અને સકારાત્મક અભિગમ આ શાળાની સફળતાનું મુખ્ય કારણ છે. અહીં શિક્ષકો માત્ર પાઠ્યક્રમ પૂરતો જ શિક્ષણ આપતા નથી પરંતુ બાળકોના આંતરિક ગુણો, તેમની કળા, રમતગમતમાં રસ અને ટેકનોલોજીનો ઉપયોગ શીખવાડીને સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે. અભ્યાસ સાથે બાળકોને વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લેવડાવવામાં આવે છે જેથી તેઓ આગળના જીવનમાં આત્મવિશ્વાસપૂર્વક પ્રગતિ કરી શકે.
સરકારી શાળા હોવા છતાં ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં આધુનિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર આધારિત શિક્ષણ, સ્માર્ટ ક્લાસરૂમ અને ટેબલેટ દ્વારા શીખવાની પદ્ધતિ અપનાવવામાં આવી છે. સાથે જ સંગીત અને રમતગમત જેવી પ્રવૃત્તિઓને પણ મહત્વ આપવામાં આવે છે. બાળકો માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઈશ્વરીયા ગામની આ શાળાની લોકપ્રિયતા પાછળ ગામના લોકો અને વાલીઓનો સહયોગ પણ મહત્વપૂર્ણ છે. ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો શિક્ષકો સાથે મળીને શાળાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. શાળાના કાર્યક્રમો, ઉત્સવો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ગ્રામજનોની સક્રિય હાજરી રહે છે. આ કારણે શાળા ગામના સમાજજીવનનો અગત્યનો ભાગ બની ગઈ છે.
ઈશ્વરીયા પ્રાથમિક શાળા આજે અમરેલી જિલ્લામાં સરકારી શાળાઓ માટે એક આદર્શ બની ગઈ છે. જ્યાં સામાન્ય રીતે ખાનગી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યાં વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને આ સરકારી શાળામાં દાખલ કરાવે છે. એ વાત સાબિત કરે છે કે જો શિક્ષકો પ્રતિબદ્ધ હોય, યોગ્ય સંચાલન હોય અને આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ આપવામાં આવે તો સરકારી શાળાઓ પણ ઉત્તમ પરિણામ આપી શકે છે.
ઈશ્વરીયા પ્રાથમિક શાળા એ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ બાળકોના ભવિષ્ય નિર્માણનું મંદિર છે. અહીંથી ભણેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમાજને નવી દિશા આપે તેવો વિશ્વાસ ગામના લોકો અને સમગ્ર જિલ્લામાં ઉભો થયો છે. આ કારણે ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળા અમરેલી જિલ્લાના ગૌરવ સમાન બની ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai