સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-સુરતના સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટા વરાછા ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ
ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ઓપરેશન
સિંદૂર અને ‘સુદામા કા રાજા’ ગણેશ પંડાલે
લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. ૬જી - ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા અને
ગણપતિ આધારિત અનોખો ગણેશ પંડાલ માત્ર દર્શન નહીં, પણ
રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવે છે.
અહીં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની એક બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા
ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, શહીદ
ભગતસિંહ તથા બીજી બાજુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી, મહારાણા
પ્રતાપ, છત્રપતિ શિવાજી, રાણી
લક્ષ્મીબાઈ જેવા રાષ્ટ્રનાયકોની તસવીરો પ્રદર્શિત કરીને ભારતના ભવ્ય ઐતિહાસિક, સામાજિક અને
રાજકીય સંસ્કૃતિના દર્શન સાથે ત્યાગ, રાષ્ટ્રપ્રેમ અને
એકતાનો સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતો ત્રિરંગા થીમ પર શણગારેલા
તેમજ વિવિધ થીમ આધારિત ગણેશ પંડાલની
મુલાકાત લેવા હજારો ભક્તો ઉમટી પડે છે.
સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના રોનકભાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર
ભારતને એક કરીને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભાઈ પટેલ તથા સ્વતંત્ર ભારતના
એકીકરણ માટે સૌપ્રથમ પોતાનું રાજ્ય આપનાર ભાવનગરના નેકદિલ પ્રજાવત્સલ રાજવી
કૃષ્ણકુમારસિંહજીની તસવીર ભાવિક ભક્તોને
એકતા અને ત્યાગનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ બન્ને રાષ્ટ્રનાયકોની તસવીરોને
સાથે રાખીને અખંડિતતા અને સમર્પણનો અનોખો સમન્વય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત તાજેતરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કરેલા વીરતાભર્યા ઓપરેશન
સિંદુર તેમજ તેનું નેતૃત્વ કરનાર સાહસિક મહિલા સેના અધિકારીઓ કર્નલ સોફિયા કુરેશી
અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ, બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ ફાઈટર
જેટ, પેરા કમાન્ડો, વ્યસન મુક્તિના
કટઆઉટ્સ મૂકવામાં આવ્યા છે. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો કોરોના હોય કે, ગંગા
સ્વરૂપા બહેનોને રાશનકિટ્સ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
દર્શનાર્થીઓનો પ્રોત્સાહક પ્રતિભાવ મળી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.
આમ, આ પંડાલ
માત્ર ધાર્મિક ભાવનાને જ નહીં, પણ રાષ્ટ્રભક્તિ, ત્યાગ અને
એકતા જેવા મૂલ્યોને પણ ઉજાગર કરી સુરતવાસીઓને અનોખી પ્રેરણા પૂરી પાડી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે