ગોધરા, ૨સપ્ટેમ્બર (હિ. સ.)
ગોધરાના ચાંચપુર ખાતે સોયાબીન પાક અંગે ખેડૂત તાલીમ યોજાઈ
NMEO-ઓઇલસીડસ યોજના અંતર્ગત ખેડૂતોને સોયાબીનને એક નિયમિત પાક તરીકે અપનાવવા માટે પ્રેરિત કરાયા
સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં સોયાબીન પાકનું વાવેતર વધારવા અને ખેડૂતોને આ પાક પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ (NMEO-ઓઇલસીડસ) યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ચાંચપુર ગામે ખેડૂતો માટે એક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ ખેડૂતોને સોયાબીનને એક નિયમિત પાક તરીકે અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. ચાંચપુર અને આસપાસના ગામોમાંથી અંદાજે ૧૨૦થી વધુ ખેડૂતોએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વેજલપુરના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સોયાબીનની આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમ શિબિરમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના વડા અને વૈજ્ઞાનિક ડૉ. કનકલતા, પેટાવિભાગ, ગોધરાના મદદનીશ ખેતી નિયામક એમ.કે.ડાભી, ગોધરા તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) શિલ્પાબેન પટેલ, અને સેજાના ગ્રામસેવક સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ