પાટણ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાટણની સરસ્વતી બેરેજમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર વધારો થતાં બે ગેટ ખોલી 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના પરિણામે પાટણથી સરિયદ તરફ જતા માર્ગ પર આવેલા ડીપમાં 1 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે 20થી વધુ ગામડાઓના લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. ઘણા વાહનો પાણીમાં બંધ પડી ગયા છે, જેને કારણે વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ચિંતાજનક બાબત એ છે કે ડીપની બંને બાજુએ કોઈ બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી તેમજ સરકારી કર્મચારીઓ પણ હાજર નથી, જેના કારણે લોકો જોખમ ખેડીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. જો કે, સંભવિત ભયને ધ્યાનમાં રાખીને પાટણ ડિઝાસ્ટર વિભાગે બાવાહાજી રોડને બંને બાજુથી બંધ કરીને સાવચેત રહેવા સૂચના આપી છે.
આ પરિસ્થિતિમાં એક સકારાત્મક પાસું એ છે કે સરસ્વતી નદીના કિનારે આવેલા 33 ગામોના ખેડૂતોને ખેતી માટે પૂરતું પાણી મળતું રહેશે. સ્થાનિક વહીવટી તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર સતત નજર રાખી છે અને લોકોને સલામતીના પગલાં લેવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ