સુરત, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના અમરોલી ખાતે આવેલ તારવાડી પાણીની ટાકી પાસેથી બે બદમાશો પોતે ડી સ્ટાફમાં હોવાની ઓળખ આપી રત્નકલાકાર અને તેના મિત્રને બળજબરી રીક્ષામાં ઉપાડીને કોસાડ લેક ગાર્ડન પાસે લઇ ગયા હતા અને ત્યાં બને મારમાર્યા હતા અને તેમની પાસેથી રોકડા રૂપિયા લૂંટી લીધા બાદ આ અંગે કોઈને વાત કરશે તે બીજા કેસમા ફીટ કરી દેવાની ધમકી આપી સ્થળ પરથી ભાગી ગયા હતા.ત્યાર બાદ આ અંગે રત્નકલાકર દવારા બે ઈસમો વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અમરોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારવાડી ખાતે આવેલ ગૃહ નિર્માણ બોર્ડમાં રહેતા અજયકુમાર ઈંદ્રજિત જયસ્વાલ હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવે છે.દરમિયાન અજય જયસ્વાલ 30 મીએ રાત્રે 10 વાગે પોતાના મિત્ર રાહુલ સાથે તારવાડી પાણીની ટાંકી પાસે હાજર હતો ત્યારે બે ઈસમ રીક્ષા લઈને ધસી આવ્યા હતા.અને ડી સ્ટાફ પોલીસ હોવાનુ જણાવી બન્ને બળજબરી રીક્ષામા બેસાડી કોસાડ લેક ગાર્ડન પાસે લઇ ગયા હતા.અને ત્યાં તેમને ગાળો આપી હાથમા પહેરેલ કડાથી અજયને કપાળના ભાગે મારી તેના ખિસ્સામાંથી રૂ.2500 તેમજ તેના મિત્ર રાહુલના ખિસ્સામાંથી રૂ.1900 કાઢી લૂંટી લીધા હતા.અને આ અંગે કોઇને વાત કરીશ તો બીજા કેસમા ફીટ કરી દેવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.બાદમાં અજય જયસ્વાલએ આ અંગે છાપરાબાઠા છન્નું કોલોનીમાં રહેતા રીક્ષા ડ્રાઈવર રાજ અને તેની સાથે આવેલા અજાણયા ઈસમ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આરોપીઓ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે