લંડન નવનાથ સેન્ટર ખાતે સરદાર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO) યુકે અને સરદારધામના સંયુક્ત ઉપક્રમે
હેરો વિસ્તારના મેયર અંજનાબેન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
સતત ત્રણ કલાક ચાલેલી કથા દરમિયાન શ્રોતાઓએ પૂર્ણ એકાગ્રતાથી સાંભળી હતી
આપણા દેશમાં રાજા જેવું જીવન જીવતા અંગ્રેજો અહીં પોતાના વતનમાં સામાન્ય નાગરિકની જેમ રહે છે
ભરૂચ 22 સપ્ટેમ્બર (હિ.સ.)
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO) યુકે અને સરદારધામના સંયુક્ત ઉપક્રમે લંડન નવનાથ સેન્ટર ખાતે સરદાર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે હેરો વિસ્તારના મેયર અંજનાબેન પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિટનની ધરતી પર સરદાર સાહેબની કથા સાંભળવા માટે એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા કે હોલ પણ નાનો પડી ગયો હતો. કથાના પ્રથમ દિવસે વક્તા શૈલેષ સગપરિયાએ સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણ, વિદ્યાર્થી જીવન તથા લંડન નિવાસ દરમિયાનના અનેક પ્રસંગોને જીવંત કર્યા. મોટાભાઈને બેરિસ્ટર બનાવવા માટે લંડન મોકલ્યા અને પોતે પણ લંડન અભ્યાસ માટે આવ્યા તે સંસ્મરણો દ્વારા સરદાર સાહેબના જીવનમાંથી આપણે શું શિખવું જોઈએ તેની પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી. સતત ત્રણ કલાક ચાલેલી કથા દરમિયાન શ્રોતાઓએ પૂર્ણ એકાગ્રતાથી તેનો લાભ લીધો.
સરદાર સાહેબના એક પ્રવચનનો સંદેશ ખાસ પ્રેરણારૂપ રહ્યો:
જ્યારે હું લંડન અભ્યાસ માટે આવ્યો ત્યારે જોયું કે આપણા દેશમાં રાજા જેવું જીવન જીવતા અંગ્રેજો અહીં પોતાના વતનમાં સામાન્ય નાગરિકની જેમ રહે છે. એટલે આપણામાં અને એમનામાં કોઈ ફરક નથી. આ વિચારે જ મને નિર્ભયતાપૂર્વક અંગ્રેજોનો સામનો કરવાની હિંમત આપી.
આ પ્રસંગે સરદારધામ પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ જણાવ્યું કે, લંડન ખાતે સરદારધામ અને NCGO દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર કથાનું આયોજન થયું, જેમાં શ્રોતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈને, સૌએ મળીને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો. સરદારધામનો સંદેશ એ છે કે વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક ભાવનાથી ભારતને વિકસિત અને વિશ્વ ગુરુ બનાવવા માટે દરેકે પ્રયત્ન કરવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, લંડન અને બ્રિટનની આ ભૂમિ પરથી અનેક મહાનુભાવો શિક્ષણ લઈને ભારતની સ્વતંત્રતામાં યોગદાન આપવા ઉભા થયા - જેમાં મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપતરાય અને સરોજિની નાયડુ જેવા અગ્રણી સ્વતંત્ર સેનાનીઓનો સમાવેશ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ