પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના હિંગળાચાચર ચોકમાં આ વર્ષે નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 18 વર્ષ બાદ પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના પાંચ કુટુંબોએ માનેલી બાધા અંતર્ગત માતાજીના 102 ગરબા આયોજિત કરવામાં આવ્યા હતા. શહેરભરના વિવિધ મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં માતાજીની આરતી સાથે ગરબાની ભક્તિમય શરૂઆત થઈ હતી.
આ પરંપરાગત ગરબામાં માત્ર બહેનોએ જ ભાગ લીધો હતો. હિંગળાચાચર ચોક ખાતે વાજતે-ગાજતે લાવવામાં આવેલા આ ગરબામાં એક જ પાનેતરમાં બહેનોએ માતાજીના ગરબે ઘૂમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ઓરકેસ્ટ્રાના તાલે રમાયેલા ગરબામાં બહેનોએ ઐતિહાસિક વાતાવરણ સર્જ્યું હતું.
હિંગળાચાચર ચોકમાં રમાતા આ ગરબામાં પુરુષોને ભાગ લેવાની મનાઈ છે – આ પરંપરા નવી પેઢીએ પણ આત્મસાત કરીને જાળવી છે. કાર્યક્રમના અંતે પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા ઉપસ્થિત સૌને માતાજીની પ્રસાદી લાહણી રૂપે આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ