પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના ખાડીયા ગ્રાઉન્ડમાં બુધવારે પશુપાલકોનું વિશાળ સંમેલન યોજાવાનું છે. પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, સમી, હારીજ અને શંખેશ્વર તાલુકા ઉપરાંત બહુચરાજી-ચાણસ્મા વિભાગના આશરે 5 થી 7 હજાર પશુપાલકો આ સંમેલનમાં ભાગ લેશે. સંમેલનમાં પશુપાલકોને લગતા 17 મહત્વના પ્રશ્નોની રજૂઆત કરાશે.
પશુપાલકોમાં દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ ભારે રોષ છે. તેમના મતે, ચેરમેને અત્યાર સુધી આપેલા કોઈ પણ વચનો પૂરા કર્યા નથી અને ઉલટાં પશુપાલકોના હિત વિરુદ્ધ નિર્ણયો લીધા છે. પાટણ શહેરના અનેક વિસ્તારોમાં ચેરમેનના વિરોધમાં બેનરો પણ લગાવાયા છે.
પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પશુપાલન સેવા સમિતિના કન્વીનર કાનજીભાઈ દેસાઈએ સ્પષ્ટતા કરી છે કે આ સંમેલન સરકાર વિરુદ્ધ નહિ, પરંતુ માત્ર ડેરીના ચેરમેન વિરુદ્ધ છે. તેમણે ચેરમેનને ખુલ્લો પડકાર આપતાં કહ્યું કે જો તાકાત હોય તો આ સંમેલન રોકી બતાવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ