પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાની એલસીબી પોલીસ દ્વારા સિદ્ધપુર નજીક સુજાણપુર પાટિયા પાસે નાકાબંધી દરમિયાન મોટી કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસે અશોક લેલન્ડ દોસ્ત પ્લસ ગાડીને રોકીને તપાસ કરતા, વાંસની પટ્ટીઓ અને પ્લાસ્ટિક પાઈપોની આડમાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 4655 બોટલ મળી આવી, જેની કિંમત રૂ. 10,09,748 થાય છે.
પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5 લાખની કિંમતી ગાડી સહિત કુલ રૂ. 15,09,748નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના નરપતસિંહ બાબુલાલ ખેતારામ જાખડની ધરપકડ કરવામાં આવી છે.
કેસમાં કાળુરામ બિશ્નોઈ અને અમદાવાદમાં દારૂ લેવા આવનાર અજાણ્યા શખ્સની શોધખોળ ચાલુ છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ