પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ભવ્ય પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં વર્ષ 2022-23 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન બાળકો માટે શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. રમત-ગમત દ્વારા પોષણ અંગે માહિતી આપીને બાળકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી. જિલ્લાની પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓને કુપોષણથી મુક્ત કરવા અનેક યોજનાઓ ચલાવી રહી છે.
આંગણવાડી કેન્દ્રો દ્વારા દર મહિને બાળકોને વિનામૂલ્યે પોષણયુક્ત ટેક હોમ રેશન આપવામાં આવે છે. ઉપરાંત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પાટણ જિલ્લામાં 45,000થી વધુ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ