પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ સાયન્સ સેન્ટરમાં 23 સપ્ટેમ્બર 2025ના રોજ 'સમાજ માટે સૌર ઊર્જા' વિષયક વિશેષ કાર્યક્રમ યોજાયો, જે ગુજકોસ્ટ અને ગુજરાત ઊર્જા તથા પેટ્રોકેમિકલ્સ વિભાગના સમર્થનથી આયોજિત થયો. સાથે જ ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદના સહયોગથી માનક મહોત્સવ પણ ઉજવાયો. કાર્યક્રમ દરમિયાન સૌર પેનલ્સ અને ઊર્જા ઉત્પાદના મૉડલ્સનું પ્રદર્શન અને વૈજ્ઞાનિક શો યોજાયો.
કાર્યક્રમમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના 250થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા, ઉપરાંત 50 જેટલા સામાન્ય નાગરિકોએ પણ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ માનક મહોત્સવ રેલીમાં, ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો અને ભારતને સ્વચ્છ બનાવવાની શપથ પણ લીધી.
ભારતીય માનક બ્યુરોના સલાહકાર ઉત્સવભાઈ મોઢે, માનકોનું જીવનમાં મહત્વ તથા તેની ગુણવત્તા અને સલામતીમાં ભૂમિકા વિશે માહિતી આપી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે, આવા નિયમિત વૈજ્ઞાનિક કાર્યક્રમોથી ભવિષ્યની પેઢી વધુ સક્ષમ બનશે અને દેશને આત્મનિર્ભર બનવામાં મોટી મદદ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ