અમરેલી, 23 સપ્ટેમ્બર (હિ.સ.)
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા નજીક મોડી રાત્રે કોંગ્રેસના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની કાર પર અજાણ્યા શખ્સોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રતાપભાઈ દુધાતના ડ્રાઈવર સિરાજભાઈ જીરાએ તાત્કાલિક ધારી પોલીસ મથકમાં પહોંચી લેખિત ફરિયાદ દાખલ કરી છે.
મળતી વિગતો મુજબ, પ્રતાપભાઈ દુધાતનો કાફલો મોડી રાત્રે દુધાળાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર નિશાન બનાવી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી, પરંતુ હુમલાનો પ્રયાસ રાજકીય અને સામાજિક રીતે ચર્ચાનો વિષય બન્યો છે.
ફરિયાદ બાદ ધારી પોલીસ ઇન્સ્પેક્ટરે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અને અજાણ્યા હુમલાખોરોની ઓળખ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે ડ્રાઈવર સિરાજભાઈએ બાઈટ આપતા જણાવ્યું હતું કે —
“મોડી રાત્રે અચાનક અમારી કાર પર હુમલો કરવાનો પ્રયાસ થયો. સદભાગ્યે કોઈ મોટી ઘટના બની નથી. મેં તરત જ ધારી પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોંધાવી છે. પોલીસે યોગ્ય તપાસ કરે અને દોષિતોને ઝડપે તે અમારી માંગ છે.”
ધારી પોલીસ દ્વારા હાલ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ હુમલો કેમ કર્યો, તેમની પાછળ કોઈ રાજકીય સજિશ છે કે વ્યક્તિગત રંજિશ – તે દિશામાં પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
આ સમગ્ર ઘટનાએ પ્રતાપ દુધાતના સમર્થકો અને સ્થાનિક રાજકીય વર્ગમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. પોલીસે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને જલદી જ હુમલાખોરોની ઓળખ બહાર પાડીને કાનૂની પગલાં લેવાશે એવી ખાતરી આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai